Saturday, May 19, 2007

Gujarati Kavitao ane Gazalo

ભાનુપ્રસાદ પંડ્યા - શ્રાવણ વદમાં

(કાવ્યપ્રકાર : ગીત)

રહી રહીને નેવલું ઝરે થઈ મીરાંનું ગીત !
આંખથી ખસી ગૈ આંસુની પાતળી એક પછીત !

ધૂળમાં ઊગી ફરકે લીલો દેવકીનો ઉલ્લાસ !
છૂટતી કારાગારથી જાણે એમ ઊડી સુવાસ !

ઓસરી પાસે થાંભલી પાસે સાંજ ઢળે આકુલ !
સીમથી સમીપ આવતું ત્યાં તો ઠેકતું રે ગોકુલ !

હાંઉ ! લ્યો, આવી દૂરથી ઓરા ડેલીએ ઊભા પંથ !
ઘરમાં હવે માય ના એવી ઉભરાણી છે ખંત !

અંધારને લઈ ગોદમાં મીઠું મરકી રહી રાત !
કાલ તો એવો ઊછરીને એ થઈ જાશે પરભાત !

- ભાનુપ્રસાદ પંડ્યા


મુકેશ જોષી - હવે જમાનો ડૉટ કોમનો

કોઇ કોઇને ના પૂછે : તું હિંદુ કે મુસ્લિમ કોમનો
હવે બધાંને ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

એના ઇંટરનેટ ઉપર તો આપણ બધા ડોટ
પ્રગટ થવાનું લુપ્ત થવાનું એને હાથ રિમોટ
અલ્લાહ અકબર બોલો ત્યાં તો નાદ સુણાતો હરિ ઓમ્નો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

મંદિર મસ્જિદ નાની નાની વેબ પેજની સાઇટ
સહુ મેળવતાં લાયકાતથી આછી ઘેરી લાઇટ
સાથે રહેતાં શીખ્યા તેથી વટ્ટ પડે છે રવિ-સોમનો
હવે બધાંએ ભળી જવાનું હવે જમાનો ડૉટ કોમનો

- મુકેશ જોષી


અમૃત ઘાયલ - રડી લઉં છું

અવનવા પ્રસંગો છે, મુજ રીતે લડી લઉં છું
કો’ સમે હસી દઉં છું, કો સમે રડી લઉં છું

વિશ્વથી અનોખી છે, રીત મુજ વિલાપોની
હાસ્યને બહાને પણ ખૂબ હું રડી લઉં છું

લાખ વાતે મનગમતું આ નથી ઘડાતું મન
જિંદગી તો જેવી હું ચાહું છું ઘડી લઉં છું

સ્વર્ગ હો કે હો પૃથ્વી દૂર ક્યાં જવાનીથી
એક ફાળમાં બંને દુનિયા આથડી લઉં છું

હુંય એ વિચારું છું, આ કઈ બિમારી છે,
હેતુ વિણ હસી દઉં છું, અર્થ વિણ રડી લઉં છું

કર્મ કો’ છે ક્યાં ‘ઘાયલ’ કીર્તિ લોભથી ખાલી
પુણ્યના સહારે પણ પાપમાં પડી લઉં છું

-અમૃત ‘ઘાયલ’


‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - પશ્ચાતાપ

[કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi)] તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો ‘તો !
તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો ‘તો !

એ ના રોયું, તડફડ થયું કાંઇ ના કષ્ટથી એ !
મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે !

કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી ?
રોતું મ્હારૂં હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઇ !
રે રે ! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઇ લાગ્યો,
એ અંગારો મુજ જિગરના મૂળને ખાઇ જાતો !

કેવો પાટો મલમ લઇને બાંધવા હું ગયો ‘તો!
તે જોઇને જખમી નયને ધોધ કેવો વહ્યો ‘તો !
એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ
બોલી ઉઠયાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે : -

“વ્હાલા ! વ્હાલા ! નવ કરીશ રે ! કાંઇ મ્હારી દવા તું !
“ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું !
“ઘા દે બીજો ! અગર મરજી હોય તેવું કરી લે !
“ત્હારૂં તેનો જરૂર જ, સખે ! પૂર્ણ માલીક તું છે. ”

ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથસાથે દબાઇ !
વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઇ !
ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે,
ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે !

હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે;
ઓહો ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે !
માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે.

રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે
તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે !
હું પસ્તાયો, પ્રભુ ! પ્રણયીએ માફી આપી મને છે,
હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે.

- ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ


હિતેન આનંદપરા - આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર


આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ - શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

- હિતેન આનંદપરા


રમણીક અગ્રાવત - પાછાં આવ્યાં પતંગિયાં

સાત સૂરોના રંગમાં
વાગ્યો સ્કૂલનો ઘંટ
થયાં મોકળાં દ્વાર
ઊમટ્યાં પતંગિયાં…

પાંખ હિલોળતે ઊછાળતાં દફ્તરો
જગાડતાં રસ્તા સૂના
ઊમટ્યાં પતંગિયાં…

સ્વર સોનાના રૂપાના વ્યંજનો
ભાષા ગુલાલ ગુલાલ
ઊમટ્યાં પતંગિયાં…

બારીએ બારણે ડોકાયા ઉમળકા
ઘરેઘર પહોંચ્યો કિલકિલાટ
ઊમટ્યાં પતંગિયાં…

- રમણીક અગ્રાવત


મુકેશ જોષી - તારા અક્ષરના સમ

જો મારી આંખોનો આટ્લો ધરમ
તારી ટપાલ રોજ વાંચે ને પૂજે ને ચૂમે ને બસ -
- તારા અક્ષરના સમ

તું મારી વાદળી શાહીમાંથી વાદળાં કેવાં ઉડાડતો હું જાણતી
અક્ષરની વાછરોટ ઉપરથી વરસે ને અર્થોની નદીઓ બહુ તાણતી
કેવી પગલાઇ તું પગલાં શણગારતો, હું મારા ભૂંસતી કદમ
- તારા અક્ષરના સમ

કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં ન હીં લખિયા, એટલા મેં લીધા જનમ
- તારા અક્ષરના સમ

- મુકેશ જોષી


સુરેશ દલાલ - બેઠી છે


દશે દિશાઓને વેદનાને
પોતાનામાં સમાવી
એક સ્ત્રી
વૃક્ષના પડછાયામાં બેઠી છે.

સમુદ્રનાં
આછાં ભૂરાં જળનાં વસ્ત્રો
પહેર્યા છે.

ચહેરા પર દેખાય છે
ઉદાસીના ઉઝરડા.

એની આસપાસ
કશું શ્વેત નથી
નથી કશું શ્યામ.

આશાનો ભૂખરો રંગ લઇને
ચંદ્ર પરાણે ઊગે છે આકાશમાં
એતો માત્ર બેઠી છે ચૂપચાપ.

મૌનથી પણ એને
કશું કહેવાનું નથી.

- સુરેશ દલાલ


રમેશ પારેખ - વરસાદ એટલે શું?

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું -
ટપકે નેવું.

પલળેલી ચકલી થથરાવી પાંખ પવનમાં પૂરે ઝીણી ફફરની રંગોળી.
નેવાં પરથી દડી જતું પાણીનું ટીપું પોતાનું આકાશ નાખતું ઢોળી.
એ પણ કેવું … !

દૂર કોઇના એક ઢાળિયા ઘરની ટોચે. નળિયામાંથી નીકળતો ધુમાડો.
કૂતરું અડધું ભસે એટલામાં ટાઢોદું ફરી વળે ને બૂરી દે તિરાડો.
કેવળ એવું … !

પીળી પડતી જતી છબી પર નજર જાય ને ફુરચા સરી પડે છે ભોંયે.
લીલા ઘાસની વચ્ચેથી પાણીની ઝાંખી સેર બનીને ફરવા નીકળ્યા હોંયે.
ખળખળ વહેવું … !

ઘરમાં સૂતો રહું ને મારા પગ રઝળે શેરીમાં, રઝળે ભીંતે કોરી આંખો.
હું માણસ ના થયો હોત ને હું ચકલી હોત ને મારી હોત પલળતી પાંખો.
કોને કહેવું ?

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું -
ટપકે નેવું.

- રમેશ પારેખ


પંચમ શુક્લ - યુનિકોડ ઉદ્યોગ


(ખાસ પંચમ શુક્લને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

(વર્ણસંકર અછાંદસ ગીત )

અગણિત જણ આરાધે અનહદ યુનિકોડ ઉદ્યોગ.

બિલાડીના ટોપ સમાં,
અહીં તહીં લ્યો ઉગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ. * અગણિત જણ આરાધે…

છપ્પનિયાનાં હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફા ભરડી ભરડી,
બે હાથે આરોગે શબ્દો- કવિ, લેખક, સહુ લોગ. * અગણિત જણ આરાધે…

સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સંન્નિધ સહજ યોગ.
બુધ્ધી લચીલી, તૂર્તજ ખીલી
ઝબકારે ઝીલી રજ્જૂહીન સંયોગ. * અગણિત જણ આરાધે…

ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુસાશન રચતું નિરાકાર આયોગ. * અગણિત જણ આરાધે…

હસ્વઈ-દીર્ઘઈ, ઉંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો
લલિત લવંગ ઘટા ઘાટીલી- રૂપ ધરે, બહુરૂપ વરે,
ને અડકો ત્યાં રોમાંચ સરે આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ. * અગણિત જણ આરાધે…

યુનિકોડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફોન્ટલેસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ. * અગણિત જણ આરાધે…

- પંચમ શુકલ

આદિલ મન્સૂરી - પળ આવી

ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.

પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.

ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.

આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.

મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.

જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.

દરિયા તો સૂકાઈ ચાલ્ત્યા,
મૃગજળ તરવાની પળ આવી.

છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.

- આદિલ મનસૂરી


હિતેન આનંદપરા - બપોર

તપ્ત થયેલી બપોર
ઝાળઝાળ આકાશ આરોગે
વિલાતી ક્ષણોના સાન્નિધ્યમાં
સૂર્ય તેના તેજોમય સ્વરૂપથી અહંકારિત
ભડભડ બાળે સૃષ્ટિને
પડછાયાઓ માણસ કરતાંય ટૂંકા
ભટકે અહીં તહીં
તરસના કાળા ફીણાઉ પરપોટા ઓઢી
પીળાં પડી રહેલાં પાંદડાં
પીઠની લીલાશને બચાવવામાં વ્યસ્ત
મરણોન્મુખ ઊભેલું ઘાસ
ખેતરની કોરે ઊભેલા બળદને ચસચસ ચાવે
ગરમ લૂ વાગોળતું મુખ વરાળ ફેંકે
ઊના ઊના દેહથી દાઝી ગયેલી હવા
હાંફતા એઅવાજે પૂછ્યા કરે
રગોમાં વહી રહેલો સૂર્ય ક્યારે આથમશે ?

- હિતેન આનંદપરા


જયા મહેતા - એક જળનું ટીપું

એક જળનું ટીપું
આંખેથી સર્યું
ને
આસું થયું

એક જળનું ટીપું
ગુલાબ પાંખડી પર ઠર્યું
ને
ઝાકાળ થયું

એક જળનું ટીપું
સરિતમાં ભળ્યું
ને
કાંઠે બંધાયું

એક જળનું ટીપું
સાગરમાં ભળ્યું
ને
અનહદ થયું

- જયા મહેતા


જ્યોતિ હિરાણી - સંબંધ

કદી ચાહી શકાય નહિ જેને
ને માત્ર જોડાયેલાં રહેવું પડે જેની સાથે વર્ષો લગી,
એ બાબત
જૂની જર્જરિત દીવાલથી ખરતા જતા રંગના પોપડા જેવી
બનતી જાય છે.
એક પછી એક ખરતા જાય એ થોડા થોડા વખતે
ને અંદરનાં ધાબાં સ્પષ્ટ થતાં જાય વરવી રીતે…
ફરી નવા રંગનો કોન્ટ્રેક્ટ , ફરી દિવાલો સોહામણી…

પણ નિર્વસ્ત્ર સંબંધને પછી કોઇ નવો રંગ
ઢાંકી શકતો નથી.
માત્ર કોટિંગ થયા કરે
ફરી ઊખડવા માટે…

- જ્યોતિ હિરાણી

Gujarati Gazalo ane Kavitao

ડી. એચ. લૉરેન્સ (અનુ. મહેશ દવે) - રાતે આવ્યો ચોર


આવી ચડ્યો કાલે રાતે મારે ત્યાં ચોર
ફટકાર્યું મારા માથામાં એણે અજાણ્યું ઓજાર.
મેં રાડ પાડી, પણ નો’તું કો’ સુણનાર
પડ્યો રહ્યો ચૂપચાપ અક્કડ ને ટટ્ટાર.

ઊઠયો આજ સવાર
ના કાંઇ મળે અણસાર.
કદાચ હતું એ સપનું દઇ જતું ભાવિનો ભણકાર,
કેમ કે હવે પડે નહીં ચેન જરાયે વાર.

- ડી. એચ. લૉરેન્સ (અનુ. મહેશ દવે)


કરસનદાસ લુહાર - મૃગજળની છાલકો

આંખમાં વ્હેતી નદી રીસાઇને ભાગી હતી,
સ્વપ્નમાં મૃગજળની જ્યારે છાલકો વાગી હતી.

વિસ્તરણ ને ઉડ્ડયનના અર્થને અળગા કરી
આભ તેં માગ્યું હતું; પાંખ મેં માગી હતી.

ઘેન ને ઘારણથી ઘેર્યા ગામની ચિંતા મહીં -
છેક છેવાડાની શેરી રાતભર જાગી હતી.

થૈ ગયા નિર્મૂળ કોઇ વૃક્ષ પેઠે જે શમી,
એ જ વૃત્તિ મૂળમાં પૂરેપૂરી બાગી હતી.

અંગુલિને તુજ ત્વચાનું જે રીતે રેશમ અડે;
એ રીતે ખૂશ્બો જ મારા શ્વાસને વાગી હતી !

- કરસનદાસ લુહાર

અમૃત ઘાયલ - વગર

દુ:ખ વગર, દર્દ વગર, દુ:ખની કશી વાત વગર
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર

આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર
કંઈ શરૂ આમ થઈ વાત શરૂઆત વગર

કોલ પાળે છે ઘણી વાર કબૂલાત વગર
એ મળી જાય છે રસ્તામાં મુલાકાત વગર

એમ મજબૂરી મહીં મનની રહી ગઈ મનમાં
એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર

આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર

- અમૃત ‘ઘાયલ’


હરીન્દ્ર દવે - મ્હેકમાં મ્હેક’ મળી જાય


મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાંતેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘયાત્રાની જરૂરતથી સજ્જ થઇ જઇને,
એક મંજિલની લગન આંખે ઊતરવા દઇને,
ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઇને,
‘આવજો’ કહીને કોઇ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા,
દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઇ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

-હરીન્દ્ર દવ


ભરત વિંઝુડા - લઈ નીકળ્યાં

પોતપોતાનો સૂરજ લઈ નીકળ્યાં
માપસરની સૌ સમજ લઈ નીકળ્યાં

વસ્ત્ર ખંખેરો તો ખંખેરાય તે
ઊડતી થોડીક રજ લઈ નીકળ્યાં

આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં

એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં

શબ્દને મૂકી દઈને કોશમાં
પંખીઓ જેવી તરજ લઈ નીકળ્યા

- ભરત વિંઝુડા


સુરેશ દલાલ - સાવ એકલો છું


બધાંયથી છૂટો પડીને સાવ એકલો છું મારા ખંડમાં.
અખંડ એકાંતને સાચવીને હું બેઠો છું મારી સાથે.
સાંજની હ્ળુ હળુ જેવું મૌન સહજપણે લઇ આવે છે
મારે માટે મધુર મુલાયમ રેશમી રજાઇ જેવો અંધકાર.

બારી ખોલી નાખીને બંધ બારણે જીવવું મને ગમે છે.
અસ્તિત્વની આસપાસ રચાઇ જાય છે એક નીરવ સરોવર.
કમ અળ આપમેળે ખૂલતાં જાય છે અને ભ્રમર પણ
ગુંજનને હોઠ પર અટકાવી રાખીને મારા એકાંતની ઇજ્જત કરે છે.

કોઇ અજબગજબની લિજ્જત માણું છું મનના મયખાનામાં.
હોશથી બેહોશ થવાની મજા કોઇ ઓર જ હોય છે.
ભાવ-અભાવ-પ્રતિભાવ-પ્રત્યાઘાત-અપેક્ષા-ઉપેક્ષા -
કશું જ ક્યાંય પણ નડતું-કનડતું નથી.

વાણીથી વિખૂટો પડીને હવે મન સાથે પણ મૂગો થતો જાઉં છું
અને ગાવાનાં કેટલાંયે ગીતને અલ્વિદા કરીને મારામાં વિરમું છું.

- સુરેશ દલાલ


મંગેશ પાડગાંવકર (અનુ. નલિની માડગાંવકર) - આવો પણ વરસાદ


ગડગડતો, બડબડતો, બેફામ,
વરસાદ આવે છે ધડાધડ ગબડતો,
સાવ સામો, આડોતેડો, અસ્તવ્યસ્ત,
એને અસહ્ય લાગે,
જો કોઇ એના સિવાય બીજે ધ્યાન દે તે.

વરસાદ મહા નટખટ, ઢોંગી ઊભા રહે
ભાવભીનો બની મંદિર પાસેના ફૂટપાથ પર
શ્રધ્દ્રાપૂર્વક ગણગણતો કરે નામજપ
અને પછી અચાનક ખિખિયાતા કરતો
પીછો પકડે એકાદ નાજુક રંગીન છત્રીનો !

ઝાડને ભેટી ઝંઝેડતો,
વડવાયો પર હીંચતો,
ડુંગરનો તકિયો લેતો,
નદીને ઠોંસો મરતો !

નિશાળ પાસેની ગલ્લીમાં
નવોસવો સાઇકલ શીખતો લાગે !

કંટાળેલા મુછાળા હવાલદાર
જેવો વરસાદ ક્યારેક ક્યારેક
ઘોઘરા અવાજે બરાડે !

મુંબઇના ભૈયા જેવો વરસાદ ક્યારેક
દૂર ઉત્તર પ્રદેશ્માં રહેતી વહુને યાદ કરી ઉદાસ થાય
અને પછી એકધારાઅવાજથી
એકલો એકલો
તુલસીકૃત રામાયણ આરડવા માંડે !

વરસાદ મારી બારીમાં આવે છે,
શું કહું ? સાવ નાગડો !
કમ સે કમ લંગોટી ?
એનું પણ નામનિશાન નહીં !

ઠંડી ભરાઇ હોય એમ મારી બારી ધડાધડ અથડાય !
બારીમાંથી વાછટ મારતો મને કહે છે :
“ઉઠ યાર, ફેંક કપડાં અને નીકળ બહાર !
આજ સુધી તો તારાં કપડાં જ જીવ્યાં
એકાદવાર ભૂલથી યે તું જીવ્યો છે ખરો ?
બહાર નીકળ, કપડાં ફેંકી બહાર પડ,
ગોરખ આયા, ચલો મછિંદર ગોરખ આયા !”

- મંગેશ પાડગાંવકર (અનુ. નલિની માડગાંવકર)


ભગુભાઇ ભીમડા - બની શકાય તો

બની શકાય તો કોઇકનો સહારો બનીએ.
કોઇકના જીવનનો તારણહારો બનીએ …

જીવન તો એક વિશાળ વટવૃક્ષ જેવું છે.
કોઇક નિર્દોષ પંખીડાંનો માળો બનીએ …

ઉનાળાના તાપમાં શીતળતા પણ દોહયલી
કોઇક વટેમાર્ગુનો ભલો આશરો બનીએ …

મંઝિલ કે ધ્યેય દરેક જીવનમાં હોય છે
કોઇક જીવન સાથીનો સથવારો બનીએ …

દિલથી દિલ મળે એ તો પ્રેમીઓની રીત છે
કોઇક પ્રેમાળ દિલનો દિલદારો બનીએ …

શ્રવણ જેવા તો આપણે ન કહેવાય પણ
કોઇક આંધળા મા-બાપનો સહારો બનીએ …

સંસારના પથ પર પથિકો અટવાય છે
કોઇક રસ્તો ભૂલેલાનો ઇશારો બનીએ …

જીવન નાવ તો મધદરિયે અટવાય છે
કોઇકના માટે સાગરનો કિનારો બનીએ …

- ભગુભાઇ ભીમડા(ભરૂચ)


પંચમ શુક્લ - ખગ-વિવર્ણ-ખેવના


(ખાસ પંચમ શુક્લને આભારી છીએ આ કવિતા મોકલવા બદલ)

હું જ રહું છું મારી અંદર ને
મારો માળો હું જ બનું છું.
ખીલે ખોડ્યું પંખી છું હું-
લીલાં તરણાંનાં નભમાં;
સૂકું સૂકું ઘાસ ચણીને-
પીળું પીળું ઊડું છું.

ઝીણી ઝીણી આંખોથી હું રોજ પરોવું
ભૂરાં ભૂરાં ગહન ગગનમાં
ઘેરું ઘેરું નીલ નિમજ્જન!

કોઈ કહે કે- કીધા વિના પણ
મારું ઉડ્ડ્યન હું જ બનું છું.
મારું ઉડવું, સરવું, ઠરવું
ને ચાતરવું ચિત્ત હવામા;

લગીર બને તો-
પરોઢનાં ધુમ્મ્સની પીંછી જેવું
ઢાંકી દેવું ને ઢંકાવું
બસ વિંધાવું ઝાકળ જેવું
સૂર્ય કિરણનાં વિવર્ણ બાણે
ને રેલાવું ઈન્દ્રધનુની કોરે કોરે
રોજ સવારે
રંગ રંગના ગીત ગુંજતા ટાણે.

- પંચમ શુકલ


રાજેન્દ્ર શાહ - આવી રળિયાત

આસોની રાત આલિ ! આવી રળિયાત રે,
ચાંદરણે સોહ્ય રૂડાં ધરતીનાં ગાત રે.

સીમસીમની તે દૂર મેલીને કામળી,
કુંજકુંજ રનકંતી ભોમ,
રોમરોમ માહીં નહીં માથે આનંદ
એમે ઝાઝેરું ઝૂકતું વ્યોમ :
વરસે છે આજ ભલીવાસ પારિજાત રે …

આહીંને તે આંગણે વીતેલી વેળ
અને આવી છે આવતી કાલ,
બેઉનીય સંગ રમે તાલમહીં ‘આજ’
એની ઠમકે શી ચંચલ ચાલ !
મેઘ્ના તે રંગ કેરી આહીં શી વિસાત રે …

એવી હવા છે, કોઇ એવી છે લ્હેર,
મનમૂંગાને બોલવું અપાર,
વેણમહીં બોલ ના પુરાય રે અધિર,
એનો ઠુકો રેલાય વારવાર :
અરધે અટવાય મારા હૈયાની વાત રે …

- રાજેન્દ્ર શાહ


રૂપચંદ ગરાસિયા - રમતો-ભમતો, હસતો-ગાતો દરિયો


તારો દરિયો, મારો દરિયો, મીઠાં કરતાં ખારો દરિયો,
વહાણો હારે, દોડે દરિયો, દેશ-વિદેશને જોડે દરિયો,
માછીને મન જાળ છે દરિયો, માછલીઓનો પ્રાણ છે દરિયો,
પૂનમ-અમાસે જાગે દરિયો, આભને અડતો જાણે દરિયો,
હસતો-કૂદતો-ગાતો દરિયો, રાત-દિવસ લહેરાતો દરિયો,
વાઘણ જેવો ગર્જતો દરિયો, નવતોફાનો સર્જતો દરિયો,
રમતો દરિયો, ભમતો દરિયો, માનવમનને ગમતો દરિયો.

- રૂપચંદ ગરાસિયા

અનામી - लम्हा

गुज़रता ही नहीं वह एक लम्हा
एक मैं हूँ कि बीता जा रहा हूँ …

- અનામી


સુરેશ દલાલ - શું છે ?

ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા… ઉઝરડા…

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા.

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

- સુરેશ દલાલ